15,000થી વધુ શિક્ષકોની ઊંઘ હરામ થઈ ગઈ છે !
જૂન-98 પછી ભરતી થયેલા શિક્ષકોને છૂટા કરવાના શિક્ષણ કમિશનરના પરિપત્રથી શિક્ષક પરિવારોમાં ભારે ચિંતા.
(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ, તા. 7 : ગુજરાતની સરકારી કે
ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા 15 હજારથી વધુ
શિક્ષકોની ઉંઘ હરામ કરતા શિક્ષણ કમિશનર કચેરીના પરિપત્રથી શિક્ષક સમાજમાં
ઘેરી ચિંતાની લાગણી ફેલાણી છે. હજારો શિક્ષક પરિવારના વેકેશન બગડી ગયા છે.
ગુજરાત સરકારે 30-6-98 સુધીમાં ભરતી
થયેલા શિક્ષકોને રક્ષણ આપવાનું જાહેર કર્યું છે. સામાન્ય રીતે દર ચાર-પાંચ
વર્ષે સરકાર સમિક્ષા કરી શિક્ષકોના રક્ષણની મુદત વધારતી હતી. આ પહેલા તા.
15-6-94 સુધી ભરતી થયેલા શિક્ષકોને રક્ષણ આપેલું પછી હાલના મુખ્યમંત્રી
આનંદીબેન પટેલ શિક્ષણમંત્રી હતા એ વખતે 30-6-98 સુધીની ભરતીના શિક્ષકોને
રક્ષણ અપાયું. કમનસીબે આ પછી 17-17 વરસ સુધી શિક્ષકોને રક્ષણ વધારવા કોઈ
નિર્ણય લેવાયો નથી. આને પરિણામે 10, 15 કે 17 વર્ષના જૂના-અનુભવી
શિક્ષકોની નોકરી પર કાયમ લટકતી તલવાર રહે છે. આ શિક્ષકોનો વર્ષોનો અવિરત
પરિશ્રમ-સેવાયજ્ઞ પાણીમાં જેવી હાલત છે.
આ માટે સરકારની નીતિ કારણભૂત ગણાવાય
છે. ધોરણ 8મું પ્રાથમિકમાં જવાથી રાજ્ય સરકારે વર્ગ સંખ્યા 50ને બદલે 60
કરી અને જે શિક્ષકો છે તેને ફાજલ ગણવાના નથી, બધા શિક્ષકો રક્ષિત છે, એવું
જાહેર કરેલું. શિક્ષણ બોર્ડમાં છેલ્લે 6-11-2009ના રોજ શિક્ષકોના ઇન્ટરવ્યુ
ચાલતા હતા એ છેલ્લા બની રહ્યા ત્યારે બોર્ડની ચૂંટણીનું જાહેરનામું આવી
જતાં આચારસંહિતા અમલી બનતા એ ઇન્ટરવ્યુ સ્થગિત કરાયા તા. 23-2-10ના રોજ
બોર્ડની નવી બોડી આવી પરંતુ તા. 26-2-2010ના રોજ સરકારે ધારાસભામાં ખરડો
લાવી બોર્ડ પાસેથી ભરતીના પાવર લઈ લીધા. 8મું ધોરણ પ્રાથમિકમાં જવાથી જે
ફાજલ થયા તેને પ્રાથમિકમાં સમાવાયા અને છેલ્લી ભરતી તા. 6-11-2009 સુધીના
શિક્ષકો રક્ષિત ગણાવાનું નક્કી થયું હતું.
પરંતુ સરકારે મૂળભૂત હક્ક આપ્યો એ જળવાતો નથી. 2006 પછીના જુનિયર ફાજલ થાય છે અને સિનિયરને ઘેરે જવું પડે એવી પરિસ્થિતિ છે.
આમ 98 પછીના શિક્ષકો ઉપર સતત લટકતી તલવાર રહે છે તેની અસર શિક્ષણ કાર્ય પર પણ થાય છે.
શિક્ષણ સંકલન સમિતિએ આ અંગે શિક્ષણ
પ્રધાનને રજૂઆત કરી છે. મુખ્યપ્રધાનની સત્તાવાર મુલાકાત માગતો પત્ર આપ્યો
છે. ઉપરાંત મુખ્યમંત્રીને વિનંતી પત્ર લખીને જણાવ્યું છે કે, સરકારની
નીતિને કારણે શિક્ષકોને ફાજલ થવું પડે છે, પરિણામે છૂટા થવું પડે છે. 15-17
વર્ષના અનુભવી શિક્ષકોને આ રીતે છૂટા થવું પડે એ જરાય યોગ્ય ગણાય નહીં. આ
શિક્ષકોના સંતાનો, પરિવારજનોને ધ્યાનમાં રાખીને તા. 30-6-98 પછી તા.
25-2-11 સુધી નીમાયેલા શિક્ષકોને તાકીદે રક્ષણ આપવું જોઈએ. 98 પછી એટલે કે
17-17 વર્ષથી શિક્ષકોને રક્ષણ અપાયું નથી. શિક્ષકો સરકારના તમામ
કાર્યક્રમોમાં સાથ, સહકાર આપે છે ત્યારે સરકારે ત્વરિત માગણી સ્વીકારીને
શિક્ષકોને અભય-નિર્ભય બનાવવા જોઈએ.
ઠરાવ મહત્વના કે પરિપત્ર ? : ડો. કોરાટ
શિક્ષણ બોર્ડના સભ્ય ડો. પ્રિયવદન
કોરાટ માને છે કે, કમિશનરના પરિપત્ર કરતા સરકારનો ઠરાવ વધુ મહત્વનો હોય છે,
આથી શિક્ષકોએ ગભરાવવાની જરૂર નથી. શિક્ષણ કમિશનર કચેરીના સંયુક્ત નિયામક
દેસાઈએ 30-6-98 પછીના શિક્ષકોને રક્ષણ નહીં મળે એ મતલબનો પરિપત્ર કર્યો છે.
કમિશનરે માત્ર અમલવારી અધિકારી છે. સરકારે ધારાસભામાં જે ઠરાવ કર્યો છે
તેની ઉપરવટ તેઓ કોઈ નિર્ણય કરી શકે નહીં. કાયદો નથી બદલ્યો, ઠરાવો ઉભા જ
છે. આથી શિક્ષણ વિભાગના ઠરાવોને સુસંગત હોય તેવા બધાય રક્ષિત છે. આ અંગેની
વ્યવસ્થિત રજૂઆત સરકારમાં શિક્ષકોએ કરવી જોઈએ.