ગુણોત્સવ ચાલી રહ્યો છે ત્યારે વોટસએપમાં એક મેસેજ ફરતો થયો છે. આ મેસેજનો ભાવાર્થ એવો છે કે 'માત્ર શિક્ષકોના કામની જ ગુણવત્તા કેમ ચકાસવામાં આવે છે ? સરકારના બાકીના બધા વિભાગોમાં પણ આવો ગુણોત્સવ હોવો જોઇએ.' સ્વાભાવિક છે કે આ મેસેજ મુકનારા શિક્ષકમિત્રો જ હશે. હું શિક્ષકમિત્રોની વાત સાથે સહમત છું પણ જો મારા કાર્યની ગુણવત્તા ચકાસવામાં આવે તો એમા મને શું વાંધો હોય શકે ? ( હા, જો નિષ્ઠાપૂર્વક કામ ન થતુ હોય તો ચોક્કસ તકલીફ પડે.) બીજી મહત્વની વાત એ કે બાકીના સરકારીબાબુઓની કામગીરી અને શિક્ષકની કામગીરી વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે. ઘણીવખત તો એમ થાય કે મારા આ શિક્ષકમિત્રોને એમનું મહત્વ કેમ નહી સમજાતું હોય?
નૈતિકમૂલ્યોને નેવે મુકનારા બે બદામના રાજકારણીઓ પાછળ જ્યારે કોઇ શિક્ષકને આંટા મારતા જોઉં ત્યારે હદય દ્રવી ઉઠે કે આ માણસને પોતાના કાર્યની કોઇ સમજ જ નથી કે શું ? શિક્ષકમિત્રો, આપની સરખામણી બીજા સરકારી બાબુઓ સાથે ક્યારેય ન થાય અને જો કરતા હોવ તો તમે તમારી જ જાતનું અવમૂલ્યન કરો છો. તમે ક્યારેય કોઇ યુવાનને કલેકટર કે ડીએસપીને પગે લાગતા જોયો છે ? પણ પોતાના શિક્ષકને જાહેરમાં પગે લાગતા મેં, એક નહી અનેક યુવાનોને જોયા છે. એમણે જીવતા બાળકો સાથે કામ કરવાનું છે અને અનેકના જીવનને ઘડવાનું છે.
આજે ઘણીબધી શાળાઓમાં શિક્ષકો દિલથી કામ કરે છે અને આવા બધા જ શિક્ષકોને દિલથી હું વંદન કરુ છું. આપ રાષ્ટ્રનિર્માણનું અદભૂત કામ કરી રહ્યા છો અને તમારા આ કામ બદલ જો કોઇ તમને પ્રોત્સાહ ન આપે કે તમારા કામની કદર ન કરે તો કામ બંધ નહી કરતા કારણકે તમે જ એવા થોડા દિવડાઓ છો જેનાથી અંધારામાં થોડો પ્રકાશ અનુભવાય છે. વેતનની મર્યાદાઓ આપને ખુબ નડે છે એ હું જાણું છું પણ આપણે સરકાર સામેનો ગુસ્સો આપણા નિર્દોષ વિદ્યાર્થીઓ પર તો ન જ ઠાલવી શકીએ.
ભારતની પ્રથમ ડીઝીટલ સરકારી શાળાના આચાર્યશ્રી તથા તમામ શિક્ષકમિત્રોને અભિનંદન અને સાંગણવા જેવુ જ પોતાની શાળામાં નાના-મોટું કામ કરનારા અન્ય તમામ શિક્ષકમિત્રોને વંદન.mehulsuthar250 with yog mehta